અમદાવાદીઓ પાસે દરેક વસ્તુનો જુગાડ હોય છે. શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આ ગરમીમાં કૂલ રહેવા માટે તેઓએ અસલ અમદાવાદી રીત શોધી કાઢી છે. બપોરના 12થી4 કાળઝાળ ગરમીમાં શહેરીજનો મોલમાં એસીની ઠંડી હવા ખાવાનું પસંદ કરી રહ્યા છે. બપોરના સમયમાં મોટી સંખ્યામાં લોકો બેન્ચ પર બેઠેલા તેમજ વિન્ડો શોપિંગ કરતા પણ નજરે પડે છે. એટલું જ નહીં બપોરના શોમાં મૂવી જોનારા લોકોની સંખ્યા પણ વધી છે. ઇનડોર કેફે અને મોલ શહેરીજનો માટે આફ્ટરનૂન હેંગઆઉટ પ્લેસ બની ગયા છે. જેના લીધે કેફેનો બિઝનેસ પણ 30થી 35% વધ્યો છે. કેફે ઓનર્સના મતે બપોરે 12થી 4ના સમયમાં મોટાભાગના કેફેમાં રુટિન દિવસોની સરખામણીએ 50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, સાથે જ મોલમાં વિઝટર્સની સંખ્યામાં પણ 70%નો વધારો જોવા મળ્યો છે. 12થી 4ના સમયે કાફેમાં યંગસ્ટર્સનું પ્રમાણ વધુ જોવા મળે છે. યંગસ્ટર્સ પણ તેમના ફ્રેન્ડ્સ ગ્રૂપ સાથે કાફેમાં આવીને હેંગઆઉટ કરવાનું પસંદ કરી રહ્યા છે. રુટિન કરતા સમરમાં બપોરના સમયમાં આવતા લોકોની સંખ્યામાં 50% વધારો થયો છે. વિન્ટરમાં લોકો અંદર-બહાર બંને સ્પેસનો ઉપયોગ કરતા હતા. જ્યારે સમરમાં લોકો ઇનડોર કેફેમાં બેસવાનું વધારે પસંદ કરે છે. તેમાં પણ બપોરે 3થી 4 સુધીમાં કેફેમાં લોકોની અવરજવરનું પ્રમાણ પણ વધી જાય છે. મોર્નિંગમાં સ્ટુડન્ટ્સ અને બપોરના સમયે હવે કોર્પોરેટ ઓફિસમાંથી પણ લોકો રિસેસ ટાઈમમાં રિલેક્સ થવા માટે કેફેમાં સમય વિતાવે છે. હવે વીકડેઝમાં પણ વીકેન્ડ જેવો માહોલ બપોરના સમયે જોવા મળે છે. રુટિન સમય કરતા સમરમાં 40થી 50% ક્રાઉડનો વધારો જોવા મળે છે. કોવિડ બાદ હવે 90 ટકા બિઝનેસ પાછો ટ્રેક પર આવ્યો છે અને સમરમાં ક્રાઉડ વધવાને લીધે હવે બિઝનેસ પણ 30થી 35 ટકા વધ્યો છે.