રાજકોટના સિનિયર તબીબો જોડાયા, રામધૂન બોલાવી ‘છેતરપિંડી બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા,આરોગ્ય સેવા ખોરવાઈ.

Latest Rajkot

રાજ્યભરના સરકારી સિનિયર ડોક્ટરની હડતાળનો આજે હડતાળનો બીજો દિવસ છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલા મેડિકલ કોલેજના પટાંગણમાં સિનિયર ડોક્ટરો દ્વારા રામધૂન બોલાવી ‘છેતરપિંડી બંધ કરો’ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તમામ તબીબો હડતાળ પર ઉતરી જતાં આરોગ્ય સેવાઓ ખોરંભે ચડી છે. જેને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે રાજકોટ મેડિકલ કોલેજના સિનિયર તબીબે જણાવ્યું હતું કે, આજથી અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છીએ. રાજકોટ જિલ્લાના 350 તબીબો હડતાળ પર ઉતર્યા છે. સરકાર અમારી તમામ માગણીઓ સ્વીકારી ન લે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખીશું. ઉચ્ચ પગારધોરણ, એડોપ્ટ સેવા નિયમિત કરવી, સેવા સદન કરવી, પ્રમોશન આપવું સહિતની અમારી માગણીઓ છે. વર્ષ 2012થી અમારી માંગણી સંતોષવામાં આવી નથી. વર્ષ 2016થી ખાનગી પ્રેક્ટિસ એલાઉન્સ પણ અમને આપવામાં આવ્યું નથી. ત્યારે સરકાર દ્વારા અમારી પડતર માગણી સંતોષવામાં આવે નહીંતર આગામી દિવસોમાં પણ અમારી હડતાળ યથાવત્ રહેશે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની સેવાઓ પર અસર જોવા મળી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ અને જિલ્લાની હોસ્પિટલ સહિત કુલ 330 જેટલા ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે આજરોજ સિનિયર ડોક્ટરો સિવાયના તબીબો ફરજ પર હાજર હોવાના કારણે ઈમરજન્સી વિભાગ અને ઓપીડી વિભાગ કાર્યરત છે. જ્યારે કે, ઓપરેશન થિયેટર હાલ ખાલીખમ્મ જોવા મળી રહ્યા છે. સર્જીકલ સહિતના ઓપરેશન થિયેટરમાં માત્ર નર્સિંગ સ્ટાફ અને રેસિડન્ટ તબીબો જોવા મળી રહ્યા છે. જ્યારે ઇએનટી ઓપરેશન થિયેટર હાલ રેસિડન્ટ તબીબને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હોવાથી સિનિયર તબીબોના કારણે શરૂ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *