ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આણંદ નગરપાલિકાના સત્તાધીશો પૈકી કેટલાક હાલ પોતાની ફરજમાં ઘોર બેદરકારી દાખવી એ.સી. ઓફિસોમાં એ.સી., લાઈટ ચાલુ મુકી આમતેમ લટાર મારવા નીકળી પડતા હોવાની ફરિયાદો ઉઠી છે. ભારે ગરમીના કારણે નગરપાલિકાના કામકાજ અર્થે આવતા અરજદારો ત્રસ્ત હોય છે ત્યારે કેટલાક સત્તાધીશો આ પ્રકારે પ્રજાના નાણાનો દુર્વ્યય કરતા હોવાની ચર્ચાઓ જાગી છે. વધુમાં મળતી માહિતી મુજબ હાલ ઉનાળાની ગરમી ધીમે ધીમે પ્રકોપ બતાવી રહી છે ત્યારે ગરમી સામે રક્ષણ મેળવવા લોકો એ.સી., પંખાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જો કે સામાન્ય વર્ગ માટે એ.સી.ના ખર્ચા પોષાતા ન હોવાના કારણે તેઓ મર્યાદિત પ્રમાણમાં તેનો ઉપયોગ કરતા હોય છે તો બીજી તરફ સરકારી કચેરીઓ તેમજ નગરપાલિકાની ઓફિસોમાં વીજળીનો દુર્વ્યય થતો હોવાના અનેક કિસ્સા જોવા મળે છે. આણંદ નગરપાલિકામાં પણ વીજળીના દુર્વ્યય અંગેની ફરિયાદો ઉઠી છે. કાળઝાળ ગરમીમાં નગરપાલિકાના કામકાજ અર્થે આવતા અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ આણંદ નગરપાલિકાની વિવિધ કમિટિના કેટલાક ચેરમેનો સહિતના સત્તાધીશોને રાજપાટ ભોગવવાની આદત પડી હોય તેમ પોતાની ઓફિસોમાં એ.સી., લાઈટો ચાલુ મુકી દઈ આમતેમ લટાર મારવા નીકળી પડતા હોવાનું અરજદારો જણાવી રહ્યા છે. એક તરફ ખેતીકામ માટે આપવામાં આવતી વીજળી ઉપર કાપ મુકવામાં આવે છે જેને લઈ ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ સરકારના જ પ્રતિનિધિઓ આ પ્રકારે જરૂરિયાત વિનાના સમયે પોતાની ઓફિસોમાં લાઈટો, એ.સી. ચાલુ મુકી દઈ વીજળીનો વ્યય કરી રહ્યા હોવાની વાતને લઈ જાગૃતોમાં ભારે રોષ વ્યાપ્યો છે.