મેટ્રો રેલ પ્રોજેક્ટના ત્રીજા ફેસમાં ગાંધીનગરમાં કામગીરી શરૃ થઇ ગઇ છે. ગાંધીનગર શહેર તથા જિલ્લાની જમીનનું સંપાદન પણ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી છે. મેટ્રો પ્રોજેક્ટમાં મોટાભાગની જમીન સરકારની જ લેવામાં આવી છે. કુલ ૪૪૫ ચોરસ મીટર જમીનનું સંપાદન પણ કરવામાં આવ્યું છે. ઘણા ગામો કોર્પોરેશનમાં ભળી ગયા છે એટલે હવે સંપાદનની કામગીરી પણ કોર્પોરેશન હસ્તક કરવામાં આવી રહી છે. અમદાવાદમાં તબક્કાવાર બે ફેઝમાં મેટ્રોની કામગીરી લગભગ પુર્ણ થઇ ગઇ છે ત્યારે હવે ત્રીજા ફેઝમાં આ મેટ્રો રેલનો પ્રોજેક્ટ ગાંધીનગર સુધી લંબાવવામાં આવ્યો છે.ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ અક્ષરધામ તથા મહાત્મા મંદિર સુધી આ મેટ્રો રેલને લંબાવવામાં આવનાર છે જે માટે કેલેન્ડર પ્રમાણે જે કામગીરી કરવાનું આયોજન હતું તે પ્રમાણે થઇ રહ્યું છે. હાલ ધોળાકુવા, રાંદેસણ, ચ-૦, ચ-૧ અને ચ-૨ ખાતે મેટ્રો રેલની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. આગામી વર્ષ ૨૦૨૩ની એપ્રિલ સુધીમાં ત્રીજા ફેસનું કામ પણ પુર્ણ કરી દેવાનું આયોજન તંત્ર દ્વારા છે ત્યારે આ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અંગે અમરાઇવાડીના ધારાસભ્યએ પ્રશ્ન પુછ્યો હતો જેના જવાબમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ની સ્થિતિએ ગાંધીનગર જિલ્લામાં કુલ ૪૪૫ ચોરસ મીટર જમીનું સંપાદન કરવાનું થાય છે. એટલુ જ નહીં, નકશા પ્રમાણે જમીન સંપાદનની કામગીરી હાલ ચાલુ હોવાનું પણ મંત્રીએ પોતાના જવાબમાં જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર તાલુકાના ઘણા ગામો કોર્પોરેશનમાં ભળી જવાને કારણે આ ગામોની જમીન સંપાદનનું કામ હવે કોર્પોરેશન હસ્તક થઇ રહ્યું છે જે અગાઉ કલેક્ટર દ્વારા કરવામાં આવતું હતું.