અમરેલી જિલ્લામાં આવતીકાલે 39 કેન્દ્ર પર વનરક્ષકની પરીક્ષા યોજાશે. જેના માટે જિલ્લા અધિક મેજીસ્ટ્રેટે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા હતા. ઉપરાંત ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સાંજે 4 થી 6 કલાક દરમિયાન બેઠક વ્યવસ્થા નિહાળી શકશે. આવતીકાલે યોજાનાર વનરક્ષકની પરીક્ષાની જિલ્લા વહિવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.આવતીકાલે જિલ્લાના 39 કેન્દ્રો પર વનરક્ષકની પરીક્ષાનું આયોજન કરાયું છે. જેના કારણે જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ આર.વી.વાળાએ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા હતા. પરીક્ષા કેન્દ્રોમાં વીજાણુ યંત્રો જેવા કે મોબાઈલ, ફેક્સ તેમજ આસપાસના વિસ્તારોમાં પરીક્ષા સમય દરમિયાન ઝેરોક્ષ મશીન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષામાં ફરજ પર રહેલા કર્મચારીઓ બિલ્ડીંગમાં તેમનો મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહી. પરીક્ષા કેન્દ્રો નજીક જાહેર માર્ગ પર ચાર કે તેથી વધુ વ્યક્તિ એકત્રીત થઈ શકશે નહી.બીજી તરફ 28 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. પણ 27મીએ વનરક્ષકની પરીક્ષા પણ યોજાશે. જેના કારણે શિક્ષણ વિભાગે બોર્ડના વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા જોવા માટે ખાસ આયોજન કર્યું છે. અહી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આવતીકાલે સાંજે 4 થી 6 દરમિયાન પરીક્ષા કેન્દ્ર પર પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી શકશે.