રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની મુદત સરકારે શૈક્ષણિક વર્ષ પુરુ ન થાય ત્યાં સુધી લંબાવી દીધી છે.જો કે બીજી બાજુ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે પ્રાથમિક સ્કૂલોમાં પણ પ્રવાસી શિક્ષકો માટે મુદત શૈક્ષણિક વર્ષના અંત સુધી લંબાવવા માંગ કરી છે. સરકારે અગાઉ પ્રવાસી શિક્ષકોની મુદત માર્ચ અંત સુધી લંબાવી હતી પરંતુ આ વર્ષે સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા મોડી છે અને મેના પ્રથમ સપ્તાહ સુધી શૈક્ષણિક વર્ષ ચાલનાર છે ત્યારે પ્રવાસી શિક્ષકોની મુદત લંબાવવા માંગ ઉઠી હતી.જેને પગલે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરીને પ્રવાસી શિક્ષકોની મુદત ૨૦૨૧-૨૨નું શૈક્ષણિક વર્ષ પુરુ થાય ત્યાં સુધી લંબાવવાની જાણ કરી છે તેમજ પ્રવાસી શિક્ષકોના માર્ચ સુધીના માનદ વેતતના બીલોની ગ્રાન્ટ માર્ચ સુધી ચુકવણુ કરવા અગેની કાર્યવાહી બાબતે સૂચના આપી છે. રાજ્યની સરકારી અને કોર્પોરેશન સ્કૂલોમાં પણ પ્રવાસી શિક્ષકોની મુદત લંબાવવા માંગ કરવામા આવી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે શૈક્ષણિક સત્ર ૯મે સુધી ચાલનાર છે અને એપ્રિલ મહિનામા બાકી રહેલા અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો હોય તેમજ વાર્ષિક મૂલ્યાંકન કરવાનું હોવાથી વધુ એક મહિના માટે એટલે કે એપ્રિલ સુધી પ્રવાસી શિક્ષકોની મુદત લંબાવવામા આવે.