તમામ ધર્મસંપ્રદાયના લોકોએ ગીતાના ગુણો, મૂલ્યો, સિદ્ધાંતો સ્વિકાર્યા છે. પહેલા અને બીજા ધોરણમાં અંગ્રેજી વિષય પણ દાખલ કરાશે પરંતુ શ્રવણ અને કથનથી શીખવાડાશે નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ કરાશે. ગુજરાતમાં ધોરણ-૬ થી ધોરણ-૧૨ના વર્ગોમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ વિભાગના નિર્ણય પ્રમાણે ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષમાં આ અભ્યાસ શરૂ કરવામાં આવનાર છે. એટલુ જ નહીં, નવા સત્રથી સરકારી સ્કૂલોમાં પહેલા અને બીજા ધોરણમાં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી એ વિધાનસભામાં જણાવ્યું હતું કે બાળકોને રસ પડે અને સમજ પડે તે હેતુથી ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવી રહ્યો છે. પાઠયપુસ્તકમાં વાર્તા, પઠન અને પાઠન સ્વરૂપે ગીતાનો અભ્યાસ ઉમેરાશે.તેમણે કહ્યું છે કે તમામ ધર્મસંપ્રદાયના લોકોએ ગીતાના ગુણો, મુલ્યો તેમજ સિદ્ધાંતોને સ્વિકાર્યા છે. ધોરણ-૬ થી ૧૨માં બાળકનો પ્રિન્ટેડ, ઓડિયો અને વિઝયુઅલ સહિતની સામગ્રી અપાશે જ્યારે ધોરણ ૯ થી ૨માં પ્રથમ ભાષાના પાઠયપુસ્તકમાં વાર્તા અને પઠન સ્વરૂપે ગીતાનો પરિચય અપાશે. સ્કૂલોમાં ગીતા આધારિત શ્લોકગાન, શ્લોકપૂત, વક્તૃત્વ, નિબંધ, નાટય ચિત્ર, ક્વિઝ જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદશત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે જે પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તેમજ જ્ઞાાન પ્રણાલિ દર્શાવવામાં આવી છે. આ સંજોગોમાં રાજ્યની સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાય તે જરૂરી છે. વિધાનસભામાં શિક્ષણ વિભાગની માગણીઓ મંજૂર કરવામાં આવી હતી. આ માગણીઓ અંગે જવાબ આપતાં જીતુ વાઘાણીએ કહ્યું કે સ્કૂલોમાં ગુજરાતી વિષય ફરજીયાત છે અને રહેશે પરંતુ હવેથી પહેલાં અને બીજા ધોરણમાં અંગ્રેજી વિષય દાખલ કરાશે. આ માટે વિદ્યાર્થીઓ માટે કોઇ પાઠયપુસ્તક નહીં હોય પરંતુ શિક્ષણ શ્રવણ અને કથન દ્વારા તેમને શિખવવામાં આવશે. ધોરણ-૩થી અંગ્રેજીનું પુસ્તક હશે. ધોરણ-૩ થી ધોરણ-૫ના ગણિત અને પર્યાવરણના પુસ્તકોમાં જે તે વિષયના પારિભાષિક શબ્દોનું અંગ્રેજી સમાવવામાં આવશે જ્યારે ધોરણ-૬ થી ધોરણ-૮ના માત્ર ગણિત અને વિજ્ઞાન વિષયના દ્વિભાષી પુસ્તકોનો અમલ કરાશે. ગુજરાતી અને અંગ્રેજીમાં છપાયેલું હશે. આ દ્વિભાષી પુસ્તકોનો અમલ રાજ્યની ૧૫૦૦૦ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં કરાશે. ત્યારપછીના વર્ષોમાં ધોરણ-૯ થી ધોરણ-૧૨માં ગણિત અને વિજ્ઞાાનના દ્વિભાષી પુસ્તકો અમલ કરાશે.