શહેરના 30 વર્ષ જૂના પ્રતાપ નગર રેલવે ઓવરબ્રિજની પેરાફિટ જર્જરિત થતાં અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાઇ છે. જેના પગલે પાલિકાએ હવે આરસીસી પેરાફિટ બનાવવાની કામગીરી હાથ ધરી છે. જેમાં અંદાજીત ભાવ કરતાં 23.25 ટકા વધુ રૂા. 1.03 કરોડના ખર્ચે પેરાફિટ બનાવવાની દરખાસ્તને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. શહેરમાં 30 વર્ષ પૂર્વે મધ્ય અને પૂર્વ વિસ્તારને જોડતો પ્રતાપનગર રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજને 30 વર્ષ થતાં તેની પેરાફિટ (ક્રેશ બેરીયર) જર્જરિત થઇ છે. થોડા દિવસ અગાઉ જર્જરિત પેરાફિટ તૂટીને નીચે પડતાં નાસભાગનાં દૃશ્યો સર્જાયાં હતાં. સદ્ નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ચોમાસામાં 10 મીટર જેટલી પેરાફિટ તૂટી જતાં અકસ્માત ન થાય તેના પગલે તેને રિપેરિંગ કરવામાં આવી હતી, પરંતુ હવે કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે બ્રિજની પેરાફિટને તોડીને તેની જગ્યાએ નવી પેરાફિટ બનાવવાની જરૂરિયાત ઊભી થઇ છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અગાઉ આ કામ માટે ભાવપત્રકો મગાવ્યા હતા, પરંતુ સિંગલ ઇજારદાર ક્વોલિફાય થતાં ફરીથી ભાવપત્રકો મગાવાતાં તેમાં ત્રણ ઇજારદારોએ ભાવ પત્રક મોકલ્યા હતા. જેમાં મેસર્સ હરસિદ્ધ કન્સ્ટ્રક્શને અંદાજિત રૂા. 84 લાખ કરતાં 23.25 ટકા વધુ રૂા.1,03 કરોડની કિંમતે કામ કરવાની તૈયારી બતાવતા તે અંગેની દરખાસ્ત બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગે સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મોકલી છે.