માયાપુર ઇસ્કોનનું વૈશ્વિક મુખ્યમથક છે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શસનેસ (ઇસ્કોન) કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું હતું કે બાંગ્લાદેશથી આવી રહેલી તસવીરો સમગ્ર દુનિયા માટે ખૂબ જ દુઃખદ છે. તેમણે કહ્યું હતું કે ન્યૂયોર્ક, મોસ્કો, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડાના કેટલાક ભાગોમાં વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં છે. 23 ઓકટોબરે 150 દેશમાં દરેક ઇસ્કોન મંદિર અને બીજી સરકારી સંસ્થાઓમાં શ્રદ્ધાળુઓ બાંગ્લાદેશની ઘટના સામે વિરોધપ્રદર્શન કરશે.
બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુઓ પર હુમલાના વિરોધમાં આજે 150 દેશમાં વિરોધપ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શન અલગ-અલગ દેશોમાં ઇસ્કોન કેન્દ્ર પર યોજાશે. આ દરમિયાન પ્રાર્થના સભાઓની પણ આયોજન કરવામાં આવ્યું છે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવશે. બાંગ્લાદેશમા હિંસા દરમિયાન ઇસ્કોન મંદિર પર થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.રાધારમણ દાસે કહ્યું હતું કે આ હુમલા અંગે અમે દુઃખી અને આઘાતમાં છીએ. અમે શાંતિ અને ભાઇચારામાં વધારો થાય એવું ઈચ્છીએ છીએ. તોફાનીઓ અમને કઈ રીતે નિશાન બનાવી શકે છે? અમે હંમેશાં નોઆખલી બાંગ્લાદેશના લોકોની તરફેણમાં છીએ. તેમણે કહ્યું હતું કે હિંસામાં નાનાં બાળકો સહિત અનેક લોકોનાં મોત થયાં હતાં. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.