સરકારની ગાઈડલાઈન મુજબ શેરી કે સોસાયટીમાં ગરબાની જ પરમિશન અને 400 લોકોની જ મર્યાદા હોવા છતાં એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલથી શીલજ સર્કલ વચ્ચે આવેલા ગ્રેસ કોફી કો. કોફીબારના માલિકોએ ગરબાનું આયોજન કર્યું હોવાની માહિતી સોલા પોલીસને મળી હતી. જેથી સોલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.જે રાણા અને ટીમ ફોફીબાર પર પહોંચી ત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં 500થી વધુ લોકો ગરબા રમતા મળી આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા છે, પરંતુ હજી કોરોનાથી સંપૂર્ણપણે મુક્તિ મળી નથી. રાજય સરકારે નવરાત્રીનો તહેવાર શેરી કે સોસાયટીમાં 400 લોકોની પરમિશન સાથે ગરબા ઉજવવાની છુટ આપી હતી. અમદાવાદના એસ.પી રિંગ રોડ પર ભાડજ સર્કલથી શીલજ સર્કલ વચ્ચે આવેલા ગ્રેસ કોફી કો. નામના કોફીબારમાં નવમા નોરતે 11.20 કલાકે 500થી વધુ લોકો ગરબા રમતા હતા. સોલા પોલીસને બાતમી મળતાં પોલીસ ત્યાં પહોંચી હતી. ટ્રેડિશનલ ડ્રેસમાં વગર પરમિશન કોફીબારમાં 500 લોકો ગરબા રમતા હોય સોલા પોલીસે ગ્રેસ કોફી કો.ના માલિકો ચંદ્રમૌલી ઉર્ફે દિલીપ પટેલ, નરેશ ઉર્ફે યશ ધકાણ અને જસ્મીન સિસોદિયા સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.