અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર પર સસ્પેન્સ યથાવત છે.તાલિબાન 11 સપ્ટેમ્બરે એટલે કે 9/11 ના આતંકવાદી હુમલાની વર્ષગાંઠના દિવસે નવી સરકારની જાહેરાત કરી શકે છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુલ્લા મોહમ્મદ હસન અખુંદને તાલિબાની સરકારના પ્રમુખ બનાવવામાં આવી શકાય છે.અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલગીરી સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. કાબુલમાં મહિલાઓએ ગત રાત્રે પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તેને તાલિબાનના અત્યાચાર અને પાકિસ્તાનની ઘૂસણખોરી સામે પ્રદર્શન તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. અફઘાનિસ્તાનનાં વિવિધ શહેરોમાં મહિલાઓ છેલ્લા ઘણા દિવસોથી પોતાના અધિકારો માટે લડી રહી છે. પરંતુ કાબુલમાં પ્રથમ વખત રાત્રે પ્રદર્શન થયું હતું.તાલિબાનોએ પંજશીર પર જીતનો દાવો કર્યો છે. દરમિયાન પંજશીરઘાટીમાં રાષ્ટ્રીય રેઝિસ્ટન્સ ફોર્સના નેતા અહેમદ મસૂદે અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે યુદ્ધ લડવાની વાત કરી છે. મસૂદે અફઘાની લોકોને કહ્યું, ‘તમે દેશની અંદર હોવ કે બહાર, હું લોકો પાસેથી અફઘાનિસ્તાનની ગરિમા, સ્વતંત્રતા અને સમૃદ્ધિ માટે રાષ્ટ્રીય બળવો શરૂ કરવા માટે આહવાન કરું છું.
અફઘાનિસ્તાનમાં મહિલાઓ તાલિબાન સરકારમાં પોતાનું પ્રતિનિધિત્વ અને અધિકારોની માગણીઓ કરતી રહે છે. સોમવારે બલ્ખ પ્રાંતમાં મહિલા સંગઠનોએ ફરી એકવાર પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન તાલિબાનો પણ હાજર હતા.તાલિબાન લડવૈયાઓએ આ કાર્યક્રમને કવર કરવા આવેલા પત્રકારોને રોકી દીધા અને તેમને ત્યાંથી જવાનું કહ્યું. પત્રકારોએ તેમના આઈડી કાર્ડ પણ બતાવ્યા હતા, પણ તેમને ધમકી આપવામાં આવી અને ત્યાંથી ભગાડવામાં આવ્યા હતા.પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના વડા લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હામીદની અફઘાનિસ્તાન મુલાકાત અંગે તાલિબાને સ્પષ્ટતા કરી છે. તાલિબાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદે સોમવારે ભાર આપતાં કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન સહિત કોઈપણ દેશને અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા દેશે નહીં.