તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ કબજે કર્યા બાદ છોકરીઓના શિક્ષણને લગતા કેટલાક આદેશો આપ્યા હતા. આદેશ અનુસાર, છોકરાઓ અને છોકરીઓએ એક જ વર્ગમાં ભણી શકશે નહીં. બંનેની બેઠક વચ્ચે પડદો રાખવો પડશે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કોલેજ-યુનિવર્સિટીએ છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ વર્ગો રાખવા પડશે. માત્ર મહિલા શિક્ષિકા જ છોકરીઓને ભણાવી શકે છે, તેથી જ મહિલા શિક્ષિકાની ભરતી કરવી પડશે. શિક્ષિકાની ગેરહાજરીમાં વૃદ્ધ પુરુષ શિક્ષક છોકરીઓને ભણાવી શકે છે, પરંતુ એ પહેલાં તેનો રેકોર્ડ સારી રીતે તપાસવો પડશે.છોકરાઓ વર્ગ છોડે એ પહેલાં તમામ છોકરીઓનો ક્લાસ 5 મિનિટ પહેલાં જ પૂર્ણ થઈ જશે. જેથી તેની પુષ્ટિ થઈ શકે કે છોકરાઓ વર્ગમાંથી બહાર નીકળતાં પહેલાં છોકરીઓ કોલેજમાંથી જતી રહી હોય. છોકરાઓ અને છોકરીઓને કોલેજમાં એકબીજા સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અફઘાનિસ્તાનના એક પ્રોફેસરે AFP સાથે વાત કરતાં કહ્યું હતું કે મોટા ભાગની યુનિવર્સિટીઓમાં ખૂબ ઓછી મહિલા શિક્ષિકા છે.