દેશ બહાર મોકલવા માટે અફઘાનીઓએ પોતાની દીકરીઓના લગ્ન કાબુલ એરપોર્ટ બહાર જ કરાવી દીધા
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી દુનિયાને સૌથી વધુ ચિંતા ત્યાંની મહિલાઓની થઈ રહી છે. પરિસ્થિતિ એટલી ભયાનક છે. દીકરીઓને વતન છોડાવવા માટે તેમના માતાપિતા કાબુલ એરપોર્ટની બહાર જ તેમનાં લગ્ન કરાવી દે છે. એનું કારણ માત્ર એટલું જ કે તેમની દીકરીઓ તાલિબાનના હાથમાં ન આવી જાય. આ ઘટના 30 ઓગસ્ટ પહેલાંની છે.
CNNએ અમેરિકી અધિકારીઓના આધારે આ ઘટસ્ફોટ કર્યો છે. આ માનવ તસ્કરીનો સીધો કેસ છે.અફઘાન માતાપિતા અથવા છોકરીઓએ અત્યંત મજબૂરી અને તાલિબાનના જુલમના ઇતિહાસને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું હતું.
કેટલાક કેસ તો વધુ ચોંકાવનારા છે. છોકરીઓનાં માતાપિતા અથવા પરિવારે એવા લોકો અથવા છોકરાઓ માટે એરપોર્ટની બહાર શોધખોળ કરી હતી, જેમની પાસે દેશ છોડવા માટે સત્તાવાર દસ્તાવેજો હતા. માતા-પિતાએ આ લોકોને મોટી રકમ ચૂકવી, જેથી તેઓ તેમની દીકરીઓને દેશમાંથી બહાર કાઢી શકે. કેટલાક કિસ્સાઓમાં છોકરાઓએ પૈસા લીધા અને છોકરીઓને પત્ની ગણાવી ત્યારબાદ તેમને અફઘાનિસ્તાનમાંથી બહાર પહોંચાડી દીધી.UAEમાં હાજર અમેરિકન અધિકારીઓએ આ કેસોની જાણ વિદેશ મંત્રાલયને કરી હતી. વિદેશ મંત્રાલય, વિદેશ વિભાગે હોમલેન્ડ સિક્યોરિટી અને સંરક્ષણ વિભાગને આ મામલે તપાસ કરવા અને સતર્ક રહેવા જણાવ્યું હતું. આવા કેટલા કેસ નોંધાયા છે એના આંકડા ઉપલબ્ધ નથી.