કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા હાઈસ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીઓના વર્ગ શરૂ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અને વર્ગખંડના બેન્ચ ઉપર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે સરકાર દ્વારા હજુ તો એ દિશામાં વિચારણા શરૂ કરાય છે કે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે , તે પહેલા જ શાળાના સંચાલકોએ સરકારની ઉપરવટ જઈ વિદ્યાર્થીઓના જીવના જોખમે શાળા શરૂ કરી દીધી છે.
આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નિયમ ભંગ ચલાવી નહીં લેવાય.છેલ્લા ત્રણ દિવસથી ગજેરા સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બાળકો છેલ્લા ત્રણ દિવસથી શાળામાં અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. સરકાર દ્વારા જે પણ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. તેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 50 ટકા જેટલા વિદ્યાર્થીઓને શાળાના વર્ગખંડોમાં હાજર રાખવા. ગજેરા સ્કૂલમાં તો ગેરકાયદેસર રીતે સરકારની મંજૂરી વગર ધોરણ-8ના વર્ગો શરૂ થઈ ગયા પરંતુ એટલું નહીં વર્ગખંડના બેન્ચ ઉપર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે.તે જોતા સ્પષ્ટ થાય છે. કે શાળાના સંચાલકોને વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી.