બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કરોનો કોવિડ-૧૯ વેક્શીનેશનનો પ્રથમ તબક્કાનો પ્રથમ ડોઝ પૂર્ણ થયા બાદ તા. ૧ લી માર્ચ, ૨૦૨૧ ના રોજથી બીજા તબક્કાના કરાયેલા કોવિડ-૧૯ રસીકરણ અભિયાનમાં પ્રથમ ડોઝમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા નર્મદા જિલ્લાના નાગરિકો માટે રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર, જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત જિલ્લાના કુલ-૩૪ જેટલા સેન્ટરો દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરાઇ છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલે જણાવ્યું હતું કે, હાલ નર્મદા જિલ્લામાં તા.૧ લી માર્ચ ચાલી રહેલા બીજા તબક્કાના વેક્શીનેશનમાં આજદિન સુધી જિલ્લાના ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા ૨૬૪ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૬૮ નાગરિકોને કોરોના વિરોધી રસી નિ:શુલ્ક અપાઇ છે. તેમજ પ્રથમ તબક્કાના ચાલી રહેલા કોરોના વિરોધી કોવિડ-૧૯ વેક્સિનેશન બીજા ડોઝની આજદિન સુધી ૧૫૯૦ જેટલાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કરોને રસી અપાઇ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇ વર્કર કોવિડ-૧૯ વેક્શીનેશનમાં બાકી હોય તે તમામને વેક્શીનેશનનો પ્રથમ ડોઝ વહેલી તકે લેવાની સાથોસાથ ઉપરોક્ત કેટેગરી ધરાવતા તમામ નાગરિકો વેક્શીન મુકાવે તે માટે સામાજીક આગેવાનો, સામાજીક કાર્યકરને આરોગ્યતંત્ર દ્વારા અપીલ કરાઇ છે.
નર્મદા સુગર અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમન ધનશ્યામભાઇ પટેલે આજે ઉક્ત રસી લીધા બાદ સૌ નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ ની રસી આજે મેં લીધી છે. આ રસીથી કોઇપણ પ્રરકારની આડઅસર થતી નથી. કોરોનાની રસી લઇને સમગ્ર દેશને કોરોના મુક્ત બનાવવાની સાથે સરકારની માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવાં અને સેનીટાઇઝેશન કરવાની તેમણે પ્રજાજનોને હિમાયત કરી હતી.
રાજપીપલાના ૭૦ વર્ષીય સિનીયર સિટીઝન ભરતસિંહ મોહનસિંહ માંગરોલાએ આજે ઉક્ત રસી લીધા બાદ જણાવ્યું હતું કે, કેટલાંય દેશો એવા છે કે જ્યાં કોવિડ-૧૯ ની રસી નથી પહોંચી. આપણે ભાગ્યશાળી છીએ કે સરકારએ આપણા સુધી રસી પહોંચાડી છે. મને ડાયાબીટીશ હોવા છતાં મે કોરોનાની રસી લીધી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોનાની રસી લઇને તંદુરસ્ત રહેવા અને દેશને તંદુરસ્ત બનાવવાની સાથોસાથ સિનીયર સિટીઝન સહિત તમામ લોકોને કવિડ-૧૯ ની રસી લેવા અપીલ કરી હતી.