રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા
તાલાલા તાલુકાના 45 ગામના ખેડૂતો ચણાનું વેચાણ કરવા કાજલી માર્કેટિંગ યાર્ડને બદલે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કરી શકે માટે તાલાલા ગીરમાં ચણાનું કેન્દ્ર શરૂ કરવા તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘે માંગણી કરી છે. તાલાલા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ છોડવડીયાની રાહબરી હેઠળ તાલાલા પંથકના ખેડૂતોએ મામલતદાર બિન્દુબેન કુબાવતને આપેલ આવેદનપત્ર જણાવ્યું છે કે તાલાલા તાલુકાના 45 ગામના ખેડૂતોએ આ વર્ષે વિક્રમજનક વિસ્તારમાં ચણાનું વાવેતર કર્યું છે. પરિણામે તાલાલા પંથકમાં આ વર્ષે બહોળા પ્રમાણમાં ચણાનું પાકનું ઉત્પાદન થવાનું છે. તાલાલા ગીરમાં સેન્ટર કાર્યરત કરવુ જોઈએ.
આવેદનપત્રમાં ઉમેર્યું છે કે તાલાલા પંથકમાં કેન્દ્રના અભાવે ખેડૂતોએ ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવા કાજલી માર્કેટિંગ યાર્ડમાં જવું પડે છે. જેને કારણે તાલાલા થી કાજલી જવા માટે ખેડૂતોને ટ્રાન્સપોટીંગ સહિતનો જંગી ખર્ચ ઉપરાંત વ્યાપક પ્રમાણમાં ખેડૂતો હેરાન પરેશાન થતા હોય છે. તાલાલા પંથકના ખેડૂતો દયાજનક સ્થિતિમાંથી રાહત આપવા તાલાલા પંથકના ખેડૂતોને ઘર આંગણે જ ટેકાના ભાવે ચણાનુ વેચાણ કરી શકે એ માટે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ચણાનો ખરીદ સેન્ટર કાર્યરત કરી તાલાલા પંથકના ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા આવેદનપત્ર ના અંતમાં માંગણી કરી છે. આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં સાવનભાઈ સવાણી, હાર્દિકભાઈ તળાવીયા સહિત વિશાળ સંખ્યામાં ગીર પંથકના ખેડૂતો જોડાયા હતા.