રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ વઢવાણ વેટલેન્ડ ખાતે બર્ડફ્લૂની સામે તકેદારીના ભાગરૂપે અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન મુજબ પક્ષીઓનું સતત મોનીટરીંગ કરી સાથે ચાંપતી નજર રાખી વનવિભાગ દ્વારા કામગીરી થઇ રહી છે. જેમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂના લક્ષણો સાથે પક્ષીઓના મરણની કોઇ અસામાન્ય ઘટના બની નથી. બર્ડ ફ્લુને લઈ વઢવાણની ઉચ્ચ અધિકારીઓએ પણ મુલાકાત લઇ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડયું છે. એફ.એસ.ખત્રી, આર.એફ.ઓ., શિવરાજપુર રેન્જ, વન વિભાગ.રાજ્યમાં બર્ડફલુના કહેરમાં કેટલીક જગ્યાએ અસંખ્ય પક્ષીઓના ટપોટપ મોત થવા હોવાના અહેવાલ સામે આવી રહ્યા હોય, ત્યારે હજારોની સંખ્યામાં ડભોઇ નજીક વઢવાણા સિંચાઈ તળાવમાં દેશ-વિદેશના પક્ષીઓ વસવાટ કરતા હોય છે. ત્યારે વનવિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરી દેખરેખ રખાઈ રહી છે. વઢવાણા વેટલેન્ડ ખાતે અત્યાર સુધીમાં પક્ષીઓના મરણની કોઈ અસામાન્ય ઘટના નોંધાઈ ન હોવાથી વન વિભાગે હાશકારો થવા પામ્યો છે. તેમ છતાં પક્ષીઓ પર સતત વોચ અને ચાંપતી નજર રખાઈ રહી છે.
પક્ષીઓમાં રોગ ફેલાતો હોય જેને બર્ડફલુના નામે ઓળખવામાં આવે છે. જે એકજાતનો જીવલેણ વાયરસ હોય પક્ષીઓ ટપોટપ મોતને ભેટતા હોવાથી એક સાથે અસંખ્ય પક્ષીઓ મોતને શરણ થઇ જતા હોય છે. ત્યારે વઢવાણ વેટલેન્ડ ખાતે દેશ-વિદેશના હજારો પક્ષીઓ વસવાટ કરતા હોવાથી તેમજ પક્ષીતીર્થ તરીકે ખ્યાતિ પામેલા વઢવાણા તળાવને રામશેન સાઈડમાં મુકવાની ગણતરી ચાલતી હોય ત્યારે બર્ડફલૂ સામે વનવિભાગના નાયબ વનરક્ષક વાઘેલાની સુચના અને માર્ગદર્શન હેઠળ વનવિભાગનાં શિવરાજપુર રેન્જના આર.એફ.ઓ. એફ.એસ.ખત્રી, જાંબુઘોડા આર.એફ.ઓ ચૌહાણ તેમજ કંજેઠા આર.એફ.ઓ વસાવા સહિત વઢવાણા આર.એફ.ઓ તેમજ બીટગાર્ડ અને વનકર્મીઓએ સતત મોનીટરીંગ કરી પક્ષીઓ પર વઢવાણા તળાવ ખાતે દેખરેખ અને ચાંપતી નજર રાખી છે. જ્યારે નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજી સહિતની ટીમે વઢવાણ ખાતે વિઝીટ કરી પક્ષીઓના મરણ થયા છે કે કેમ તેની જીણવટપૂર્વક તપાસ કરવા સાથે સમગ્ર વિસ્તારનો સર્વે પણ કર્યો હતો. ત્યારે બર્ડફલૂની કોઈ અસર કે ચિન્હો વઢવાણા વેટલેન્ડ ખાતે જણાયા ન હોય તંત્રએ હાંશકારો લીધો હતો.