પંચમહાલ જિલ્લામાં ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ‘Play at Home’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

Panchmahal

પંચમહાલ જિલ્લામાં ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ‘Play at Home’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ કોવિડ-૧૯ મહામારીના સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે આ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોએ એ-૪ સાઈઝના ડ્રોઈંગ પેપર પર ‘Play At Home’ વિષય પર પોતાની કૃતિ ઘરે તૈયાર કરી તેને માઉન્ટિંગ કરાવ્યા બાદ તા. ૨૩/૧૧/૨૦૨૦થી તા.૧૧/૧૨/૨૦૨૦ સુધી બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે. કૃતિની પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, શાળાનું નામ વગેરે બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડ કે જન્મના દાખલાની ઝેરોક્ષ અને બેન્ક ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. આ સ્પર્ધામાંથી પંચમહાલ જિલ્લા કક્ષાએ પસંદગી થયા બાદ રાજ્ય કક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા તા. ૧૯/૧૨/૨૦૨૦ના રોજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકર કલાભવન, એલિસ બ્રિજ, અમદાવાદ ખાતે યોજવામાં આવશે. આ સ્પર્ધાનો સમય ૧૧ થી ૫ કલાક સુધીનો રહેશે. જેમાં સમગ્ર રાજ્યમાંથી આવેલ ચિત્રો પૈકી બેસ્ટ-૩૦ ચિત્રોના સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થળ પર ચિત્ર બનાવવાના રહેશે. જે પૈકી ૧૦ વિજેતા પસંદગી કરવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦ અને તૃતિય વિજેતાને રૂ.૧૦,૦૦૦ એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય ૭ વિજેતાઓને રૂ.૫,૦૦૦ મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી ૧૧મી ડિસેમ્બર, ૨૦૨૦ના બપોરના ૧૨.૦૦ કલાક સુધી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે કુરિયર અથવા પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે. સ્પર્ધા અંગેના નિયમો અત્રેની કચેરી ખાતેથી મળી રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *