રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા શહેર માં કરોડોના વિકાસ કામનું ઇ-લોકાર્પણ થયું અને શહેરમાં અનેક વિકાસ ના કામો થશે તેવી વાતો પણ પાલીકા તંત્ર દ્વારા થઈ પરંતુ ઘણા સમય થી સ્મશાન માં લાઈટ અને પાણીની સગવડ બાબતે સ્થાનિકોની રજુઆત અને કલેક્ટર ના હુકમ બાદ સ્મશાનમાં સગવડ જેવી સેવાકીય બાબતે પણ પાલીકા દ્વારા કોઈજ કામગીરી કે જવાબ ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ કોરોના વાયરસ ના કહેરમાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ,રાજપીપળા દ્વારા કોવિડ સ્મશાન જેવી જરૂરી સગવડ ઉભી કરાઈ હતી. અને કોરોનામાં મૃત્યુ પામેલા ના ત્યાં અંતિમ સંસ્કાર પણ થયા છે ત્યારે પાલિકા તંત્ર માં સરકારની કરોડોની ગ્રાન્ટ આવવા છતાં સ્મશાન માં જરૂરી સગવડ બાબતે કોઈ જ દરકાર લેવાતી નથી. સ્થાનિક રહીશ મહેશભાઈ વસાવા(કેરીવાળા)ના જણાવ્યા મુજબ અમે ગત તારીખ.૩૦ જુલાઈ એ આદિવાસી સ્મશાન માં લાઈટ તેમજ હેન્ડ પંપ બાબતે નર્મદા કલેક્ટર ને લેખિત રજુઆત કરી હતી ત્યારબાદ તા.૭ ઓગસ્ટ એ કલેક્ટર એ પાલિકાના ચીફ ઓફિસર ને લેખિત જાણ કરી આ સગવડ બાબતે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હોવા છતાં હજુ સુધી પાલિકા તરફ થી આ માટે કોઈ જ કાર્યવાહી થઈ નથી કે અમને ક્યારે થશે તેવી કોઈ જાણ કરાઈ નથી. તો શું પાલિકા અધિકારી કલેક્ટરના આદેશને પણ ગણકારતા નથી..? તેવા સ્થાનિકો એ આક્ષેપ કરી સ્મશાન માટે આ સગવડ વહેલી તકે ઉભી કરાઈ તેવી માંગ કરી રહ્યા છે.