પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિર પટાંગણનો અતિ પ્રાચીન ભાગ અચાનક તૂટી પડતા અફરાતફરી મચી

Latest Panchmahal

પંચમહાલમાં આવેલા પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર અને મહાકાળી મંદિરનું ખુબ જ ધાર્મિક મહત્વ છે. દેશ વિદેશના સેંકડો યાત્રાળુઓ માં મહાકાળીના દર્શને આવતા હોય છે. ખાસ કરીને ગઈ કાલે રવિવાર હોવાથી પાવાગઢ દર્શન માટે અંદાજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા આવા સમયે જો કોઈ મોટી દુર્ઘટના સર્જય તો ભારે જાનહાની થવાની શક્યતાને નકારી શકાય નહી.

પાવાગઢ ડુંગર પર આવેલા માતાજીના મંદિર પરિસરનું રીનોવેશન નું કામ હાલ ચાલુ છે. ગઈ કાલે બપોરે મંદિર પરિસરનો એક ભાગ જે ખુબ જૂનો હોઈ અચાનક તૂટી પડતા શ્રદ્ધાળુઓમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે રાહતના સમાચાર એ છે કે માતાજીની કૃપાથી બહુ મોટી દુર્ઘટના ન થતા કોઈ પણ જાનહાની થઇ ન હતી. સામાન્ય રીતે રવિવાર હોવાથી હજારો યાત્રાળુઓ પાવાગઢ પહોંચ્યા હોવાનું અનુમાન છે ત્યારે જો કોઈ ગોજારી હોનારત થઇ હોત તો મોટી જાનહાની થવાની શક્યતા નકારી શકાત નહી.

મહાકાળી મંદિર પરિસરનો જર્જરિત ભાગ એકાએક ધરાશાયી થતાં ભાવિક ભક્તોમાં નાસભાગ મચી જવા પામી હતી. કોવિડ-19 ની મહામારીના કારણે છેલ્લા લાંબા સમય થી યાત્રાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ સરકારની ગાઇડલાઇન મુજબ હાલ પાવાગઢ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે મંદિર પરિસર અને તેની આસપાસની જગ્યાઓમાં જુનુ બાંધકામ ઉતારવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ગઈ કાલે બપોરે પાવાગઢ મંદિર પરિસરની ઓફિસની બાજુનો એક તરફનો ભાગ અચાનક ધરાશાયી થઇ જતા શ્રદ્ધાળુઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભેગા થઇ જતા રસ્તા પર ટ્રાફિક રોકી દેવામા આવ્યો છે.

સાવચેતી રાખવા અંગેના કોઇ બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે રિનોવેશનના ભાગરૂપે ૨ દિવસમાં મંદિરનો આ જર્જરિત ભાગ ઉતારવાનો હતો. તેમ છતાં આ સ્થળ ઉપર સાવચેતી રાખવા અંગેના કોઇ બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી મંદિર પ્રશાસને આ બાબતે ધ્યાન આપવુ જરૂરી બની જાય છે.

ઘટનાની જાણ થતાં જ મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું અને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરાવી હતી. પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ભટ્ટે વાતચીતમાં જણાવ્યું હતુ કે, છેલ્લા ઘણા સમયથી મંદિરના રિનોવેશન અને ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે મંદિરનો આ ભાગ પણ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન માણસો દિવલ ઉતારી રહ્યા હતા, ત્યારે મશીનનો ઝર્ક લાગતા રસોડાનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ નુકસાન કે કોઇને ઇજા પહોંચી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *