વાસ્તુ પુરુષ – ઘર ના વાસ્તુનો સ્વામી

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

21 મી સદીમાં જયારે આપણે તર્ક અને વિજ્ઞાન ને સૌથી વધુ મહત્વ આપી રહ્યા છે. ત્યાં તેનાથી વિરુદ્ધ વાસ્તુ શાસ્ત્ર ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. દરેક વ્યક્તિ સુનિશ્ચિત કરવા માગે છે કે તેઓ જે કંઈ કરે છે તે તેમના માટે સૌભાગ્ય અને સકારાત્મક અનુભવ લાવશે. કોઈપણ પ્રકારની નકારાત્મકતા ટાળવા માટે આપણે હવે ઘણા પ્રકારની પદ્ધતિઓ તરફ વળ્યા છીએ. તેમાં નું એક વાસ્તુ શાસ્ત્ર છે.

વાસ્તુ શાસ્ત્રનો આધાર વાસ્તુ પુરુષ છે. વાસ્તુ પુરુષ એટલે શું અને આ નામ કેવી રીતે મળ્યું? આ સંદર્ભમાં બે કથા છે. એક મત્સ્ય પુરાણમાં અને એક પ્રાચીન ભારતીય ગ્રંથોમાંથી છે.

મત્સ્ય પુરાણ મુજબ મહાદેવ વર્ષો સુધી અંધકાસુર નામના રાક્ષસ સાથે લડ્યા હતા. લડત પૂરી થઈ ત્યારે તે ખૂબ થાકી ગયા હતા અને તેમના પરસેવા માંથી એક બાળક નો જન્મ થયો હતો. આ બાળક ખૂબ જ ક્રૂર લાગતું હતું અને તેનો જન્મ થતાંની સાથે જ તેણે અંધાકાસુરના શરીરમાંથી તમામ લોહી પી લીધું હતું. તેની ભૂખ હજી પણ તૃપ્ત થઈ નથી, તે જે મળે છે તે બધું જ ખાતો ગયો અને મોટો અને મોટો થતો ગયો. તે એટલો મોટો થયો કે તેણે પૃથ્વીની આખી સપાટી પર કબજો જમાવ્યો અને પૃથ્વી પરના દરેક જીવ નો નાશ કર્યો અને આગળ તે પ્રકૃતિ નો પણ નાશ કરવાનો હતો. આ સમયે સ્વર્ગમાંના બધા દેવો તેને મારી નાખવા માટે એકત્ર થયા. આ યોજના મુજબ તેઓએ તેના ઉપર ચારે બાજુથી હુમલો કર્યો અને તેને ધરતી પર ઊંધા માથે પછાડ્યો. હવે કારણકે તે શિવજી નો પુત્ર હતો એટલે તેને નહિ મારવાનો નિર્ણય લેવાયો. પરંતુ તેને એક શ્રાપ અને એક વરદાન આપ્યું. શ્રાપ મુજબ તે હંમેશા કોઈ જમીન પર આજ રીતે રહેશે. વરદાન સ્વરૂપે તેને એક અધિકાર મળ્યો કે જે લોકો તેને આરામદાયક વાતાવરણ આપશે અને ખુશ રાખશે તેઓ ને તે ફળ અને આનંદ આપશે. પરંતુ જેઓ તેની અવગણના કરશે તેમને દુઃખ અને દુર્ભાગ્ય નો સામનો કરવો પડશે.

હવે વાસ્તુ પુરુષની વાર્તાનું બીજું સંસ્કરણ પ્રાચીન ભારતીય ગ્રંથોમાં જોવા મળે છે. જ્યારે બ્રહ્માએ બ્રહ્માંડ ની રચના કરવાનું વિચાર્યું, ત્યારે તે કેટલાક પ્રયોગો કરી રહ્યા હતા. તે પ્રયોગ ના ભાગ રૂપે તેમણે એક માણસ નું સર્જન કર્યું. આ માણસ વિશાળ હતો અને તે પ્રચંડ શક્તિ ધરાવતો હતો. ગમે એટલું ખાય પણ તેની ભૂખ પૂરી થતી નહોતી એટલે તે બધુંજ ખાતો ગયો અને વધુ ને વધુ વિશાળ થતો ગયો. થોડાજ સમયમાં તે એટલો મોટો થઇ ગયો કે તેના પડછાયા થી પૃથ્વી પર સનાતન ગ્રહણ લાગી ગયું જેનાથી પૃથ્વી પર વિનાશ થવા માંડ્યું. બ્રહ્મા, પોતાની ભયંકર ભૂલ સમજીને આ વિનાશ બંધ કરવા માટે શિવ અને વિષ્ણુ પાસે ગયા. પરંતુ આ માણસ ને બ્રહ્મા દ્વારા શક્તિઓ પ્રાપ્ત થઇ હતી તેથી દેવતાઓ માટે પણ તે સરળ ન હતું. એક યુક્તિ હેઠળ બધા દેવો એ ભેગા મળી ને તેને પકડી લીધો અને પૃથ્વી પર ઊંધા માથે પછાડ્યો. આ જોઈ તે માણસ રડતા રડતા બોલ્યો કે તમે જ મને બનાવ્યો છે અને તમે મારી સાથે આવું કેમ કરી રહ્યા છો? તેથી, બ્રહ્માએ વિચાર્યું અને નક્કી કર્યું કે તે માણસની હત્યા કરવામાં આવશે નહીં. તેણે માણસને પૃથ્વી પરની અંધાધૂંધી અટકાવવા કહ્યું અને બદલામાં તે દેવતાઓની જેમ અમર રહેશે અને તે વાસ્તુ પુરુષ તરીકે ઓળખાશે એવું વરદાન આપ્યું. જે લોકો પૃથ્વી પર કોઈ પણ પ્રકાર નું બાંધ-કામ કરશે તે તારી ઉપાસના કરશે અને તે લોકો ને સ્વાસ્થ્ય, સંપત્તિ અને સૌભાગ્ય આપવાની તારી પાસે શક્તિ હશે. જે લોકો તારી પૂજા ઉપાસના નહિ કરે તેઓ ને તેની સજા આપવાની પણ તને અનુમતિ હશે. વાસ્તુ પુરુષ આ માટે સંમત થયા હતા અને ત્યારથી તે પૃથ્વીનો અવિભાજ્ય ભાગ છે.
આ બંને કથા માં એક સમાનતા છે. વાસ્તુ પુરુષ નું સર્જન દેવ થકી થયું છે અને તેને વરદાન પણ સ્વયં બ્રહ્મા અને અન્ય દેવતાઓએ આપ્યું છે. આપણે લોક કથા કે દંત કથા માની ને નકારી શકીયે છે પરંતુ આજે પણ વાસ્તુ થી સુસજ્જિત ઘર ની આભા અલગ જ લાગે છે તેની અવગણના આપણે કરી શકીયે નહિ. મોટે ભાગે બધા હિન્દુઓ એકવાર ઘર કે ઓફિસ તૈયાર થઇ જાય ત્યારે વાસ્તુપૂજન કરાવે છે. દરેક માન્યતા અને પરંપરા પાછળ એક કારણ હોય છે અને આપણે હંમેશા તે કારણ જાણવું જોઈએ. કારણ જાણવા થી ક્રિયા સાથે આપણે સ્વ ને જોડી શકીશું અને તે એવું કર્મ બની જશે જેનાથી ફળ ની પ્રાપ્તિ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *