જૂનાગઢ: વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરી મેમો ના ભરતા વાહન ચાલકનું હવે લાઇસન્સ થશે રદ.

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સીસીટીવી કેમેરા આધારે વોચ રાખી, શહેર વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક કાયદાનો ભંગ કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા ઇ-ચલણ ઇસ્યુ કરી, વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકો વિરુદ્ધ જૂનાગઢ પોલીસ દ્વારા વાહન ડીટેઈન કરવા તથા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેની કાર્યકાહી કરવાની સૂચના આપવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ ચલણ ની આ વ્યવસ્થામાં કાયદાનો ભંગ કરતા વાહન ચાલકોના ઘરે ઈ મેમો મોકલવામાં આવે છે અને વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ, મોટા ભાગના વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવામાં આવે છે. પરંતુ, અમુક વાહન ચાલકો દ્વારા ઈ મેમો ભરવામાં આવતો નથી. ઘણા વાહન ચાલકો ઉપર તો, બે અને ત્રણ ત્રણ ઇ મેમો થયા હોવા છતાં, દંડ ભરવા માટે કોઈ ધ્યાન આપતા નહિ હોવાની બાબત જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના ધ્યાને આવતા, આવા ઈ ચલન દ્વારા આપવામાં આવતા ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકોના વાહન ડીટેઈન કરવાની તેમજ વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા માટેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે. જેથી જે વાહન ચાલકોના ઈ મેમો ઇસ્યુ થયા છે, તેઓએ તાત્કાલિક દંડ ભરવા કાર્યવાહી કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે અન્યથા તેવા વાહન ચાલકોના વાહન ડીટેઇન કરવામાં આવશે અને વાહન ચાલકના લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢના નાગરિકો પોતાના વાહનનુ ઇ-ચલણ ઇસ્યુ થયેલ છે કે નહિ તે વાહન નંબર નાખીને ચેક કરી શકશે અને ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે. વધુમાં, ઓફ લાઈન પેમેન્ટ ભરવા માટે “નેત્રમ” કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નવી કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, શશીકુંજની સામે, મીરા નગર રોડ જુનાગઢ be ખાતે દરરોજ રજાના દીવસોમાં પણ ચલણ ભરવાની બારી ખુલી રાખવામાં આવશે રૂબરૂ ભરી શકાશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *