રિપોર્ટર: દિવ્યાંગ પટેલ, મહીસાગર
મહીસાગર જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે કોરોના અંતર્ગત જાહેર કરાયેલ ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આર.બી.બારડે ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. મહીસાગર જિલ્લામાં મહાનુભાવો અધિકારીઓના હસ્તે આરોગ્ય વિભાગના કોરોના વોરીયરને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર આર.બી.બારડે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરીકોને શુભકામના પાઠવી સંબોધતાં જણાવ્યું હતું કે, આજના આ પર્વની ઉજવણી લુણાવાડા ખાતે થઇ રહી છે. તે આપણા બધા માટે ગૌરવની વાત છે તેમજ ભારતની આઝાદી માટે જાન ન્યોછાવર કરનારા અનેક નામી અનામી શહિદોને શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું.વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી જાહેર કરી છે તેવા કોરોના વાયરસના રોગનું સંક્રમણ ન ફેલાય અને માનવજીવન સલામત રહે તે હેતુથી ભારતના દીર્ઘદ્રષ્ટા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહામારી સામે અનેકવિધ રક્ષણાત્મક પગલાઓ લેવામાં આવ્યા છે. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના નાગરિકોની સુરક્ષા માટે એકશન પ્લાન ઘડી કાઢયો અને કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા અને સ્થિતિ પર નિરીક્ષણ રાખવા માટે કોર કમિટિની રચના કરી દેવામાં આવી હતી.જિલ્લા વહીવટી-પોલીસ અને આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે અનેકવિધ પ્રકારનાં પગલાંઓ ભરવામાં આવ્યા. આ પ્રસંગે મહીસાગર જિલ્લાની સમગ્ર વહીવટી ટીમને કોરોના વાયરસની મહામારીમાં પોતાની ફરજો અને જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક બજાવવા બદલ હું અભિનંદન પાઠવું છું. તેમજ આ લડાઇમાં પોતાના પરીવારની પરવા કર્યા સિવાય સતત રાત-દિવસ કાર્યરત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડીકલ-નોન પેરામેડીકલ સ્ટાફ સહિત ફ્રન્ટ લાઇન વોરિયર્સ બનીને લોકોને સેવા કરી રહેલા તમામ વિભાગોના સ્ટાફની સેવાઓને બિરદાવી તેઓના આરોગ્યની શુભકામનાઓ વ્યક્ત કરૂં છું. કેન્દ્ર-રાજય સરકાર દ્વારા નાગરિકોના આરોગ્યની સુખાકારી અને કોરનાનું સંક્રમણ ન ફેલાય તે માટે જે કોઇ ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે તેનું આપણે સૌ પાલન કરીએ, માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળીએ, વારંવાર સાબુ કે હેન્ડ સેનેટાઇઝરથી હાથ સાફ કરતાં રહીએ. સોશિયલ ડીસ્ટન્સીંગ એટલે કે દો ગજ દૂરીનું પાલન કરીએ, કામ હોય તો જ ઘરની બહાર નીકળીએ, વડીલો, સગર્ભા માતાઓની અને ૧૦ વર્ષથી નાના બાળકો ઘરની બહાર ન નિકળે તેની કાળજી રાખીએ. સૌ સાથે મળી આઝાદીના ઘડવૈયાઓએ આપણી અને ભાવિ પેઢી પાસેથી જે અપેક્ષા રાખી છે, તે મુજબનું ગુજરાત બનાવવા માટે આપણે સૌ સહિયારો પ્રયત્ન કરીએ અને સમૃધ્ધ ગુજરાતના ઘડતરમાં ભાગીદાર બનીએ અને કોરોના જેવી મહામારીને મહાત કરીએ. તેમજ તદુરસ્ત અને આત્મનિર્ભર ગુજરાત બનાવીએ.આ કાર્યક્રમ પ્રસંગે કલેક્ટર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.