રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
શિવપુરાણમાં અને અન્ય પુરાણોમાં જેનો ઉલ્લેખ છે એવું બ્રહ્મદેવતા નિર્મિત સરસ્વતી નદીના સામા તટે સ્વયંભૂ શિવલિંગ છે બ્રહ્માંડેશ્વર મહાદેવ. કહેવાય છે કે બ્રહ્માજી અશ્વમેઘ યજ્ઞ કરવા માટે ધાર્મિક નગરી શ્રીસ્થળની પ્રદક્ષિણા કરવા સરસ્વતી તટે આવ્યા હતા. સામેના તટેથી પ્રદક્ષિણા શરૂ કરવા ઇચ્છતા બ્રહ્માજી નદીના સામે તટે આવી ત્યાં દેવાધિદેવ મહાદેવની ઘોર તપસ્યા કરી અને તપસ્યા પૂર્ણ થતાં પ્રદક્ષિણાની આજ્ઞા લેવા અનેક ઋષિ મુનિઓને બોલાવી ત્યાં વિધિવત પૂજા અર્ચના કરાવી અને પ્રદક્ષિણાની આજ્ઞા માંગી. ઋષિ મુનિઓએ બ્રહ્માજીને સ્નાન કરાવી પ્રદક્ષિણા કરવાની આજ્ઞા આપી. બ્રહ્માજીનું સ્નાન પૂર્ણ થતાં જ ત્યાં સ્વયં મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને બ્રહ્માજીને વરદાન માંગવા કહ્યું. બ્રહ્માજી એ મહાદેવજીને જ્યાં પ્રગટ થયા ત્યાં જ સ્વયંભૂ લિંગ તરીકે સ્થાપિત થવાની ઈચ્છા દર્શાવી અને મહાદેવજી ત્યાં જ બ્રહ્માંડેશ્વર મહાદેવના નામથી સ્થાપિત થયા અને જ્યાં બ્રહ્માજીએ સ્નાન કર્યું હતું એ બ્રહ્મકુંડ કહેવાયો. જેમાં સ્નાન કરવાથી પ્રાણી માત્ર સર્વ પાપમાંથી મુક્ત થાય છે.