મૃતક કાકા સસરાએ જ તેમના નામ પર લોન કરીને આરોપી જમાઈને ટ્રેક્ટર લઇ આપ્યું હતું, તેમ છતાં તેમની જમીન ખેડી આપવાના ઝઘડામાં હત્યા કરી નાખી.
શહેરા તાલુકાના બોરીયા ગામમાં જમીન ખેડવાની નજીવી બાબતે ઝઘડો થતાં જમાઈએ કાકા સસરાની હત્યા કરી નાખી છે. ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને શહેરાના સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરીને કોરોનાના ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
સસરાની જમીન ખેડવા ગયેલા જમાઈને કાકા સસરાએ જમીન ખેડી આપવાનું કહેતા ઝઘડો થયો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરીયા ગામમાં પારસિંગભાઇ ડિંડોર પોતાના પરિવાર સાથે રહે છે. 7 વર્ષ પહેલા પારસિંગભાઇએ શહેરા તાલુકાના જોધપુર ગામમાં રહેતા ભત્રીજા જમાઈ ભારત દેવાભાઈ ડામોરને પોતાના નામે લોન કરીને એક ટ્રેક્ટર લાવી આપ્યું હતું અને તે ટ્રેક્ટરથી લોકોના ખેતર ખેડીને તે પોતાનું પેટીયું રળતો હતો. ગત શનિવારના રોજ ભારત ડામોર બોરીયા ગામમાં ટ્રેક્ટર લઇને ગયો હતો અને તેના સસરા રાયસિંગભાઇ ડિંડોરનું ખેતર ખેડી આપ્યું હતું. તે વખતે કાકા સસરાએ ભારતને તેમનું પણ ખેતર ખેડવા માટે કહેતા ખેતર ખેડી આપ્યુ નહોતું અને બંને વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ ભારત પોતાનું ટ્રેક્ટર લઇને પોતાના ગામ પરત આવી ગયો હતો.
ઝઘડાની અદાવત રાખીને ફરીથી સાસરીમાં જઇને જમાઈએ કાકા સસરાને માથાના ભાગે ફટકા મારીને હત્યા કરી. આ ઝઘડાની અદાવત રાખીને રવિવારે રાત્રે 9 વાગ્યે જમાઈ ભારત ડામોર બાઈક લઇને તેના સસરા રાયસિંગભાઈના ઘરે ગયો હતો અને ત્યાં બાઈક મુકીને કાકા સસરા પારસિંગભાઈ ડિંડોરના ઘરે ગયો હતો અને ફરીથી ઝઘડો કરવા લાગ્યો હતો. જમાઈએ લાકડી વડે તેના કાકા સસરાને માથામાં અને શરીરે મારવા લાગ્યો હતો. જેથી માર સહન ન થતા પારસિંગભાઇનું મોત થયું હતું. આરોપી ભારત ડામોર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં શહેરા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.