વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ડિલક્ષ વેફર્સથી જ્યુપિટર ચાર રસ્તા સુધીના ભાગમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થઇ જતાં કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યા ઉદભવી છે. જૂની લાઈન રિપેર ન થતા કોર્પોરેશન દ્વારા હવે આધુનિક પદ્ધતિથી નવી ડ્રેનેજ લાઇન નાખવાનો નિર્ણય લેવાયો છે. જે માટે ભાવિન એન્ટરપ્રાઇઝનું 16.61 ટકા સૌથી ઓછા ભાવનું 1.35 કરોડનું ભાવપત્રક મંજૂરી હેતુ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે. શહેરના વડસર બ્રિજથી 450 મિલિમિટર વ્યાસની મુખ્ય ડ્રેનેજ લાઈન જ્યુપિટર ચાર રસ્તા થઇ સુશેન પંપીંગ સ્ટેશન સુધી પહોંચે છે. જે લાઈન ડિલક્ષ વેફર્સથી જ્યુપિટર ચાર રસ્તા સુધી ચોક્કસ /ભંગાણ થવાના કારણે કાર્યરત ન હોવાનો રિપોર્ટ કાર્યપાલક ઇજનેરએ આપ્યો છે. ત્યારબાદ ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સ્થળ વિઝીટ કરી અલગ-અલગ મશીન વડે સફાઈ કર્યા બાદ પણ લાઈન કાર્યરત થઇ નથી. જેથી અલવાનાકા, જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ , જુયુપીટર ચાર રસ્તા સહિતના આસપાસના વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યાઓ ઉદ્ભવી છે. પરિણામે ડિલક્ષ વેફર્સથી જ્યુપિટર ચાર રસ્તા સુધી 140 મીટર લંબાઈ અને 8 મીટર ઊંડાઈની જૂની ડ્રેનેજ લાઈન સંપૂર્ણ પણે ચોકઅપ થઈ જતા હવે સીંકિંગ – પુશીંગ પદ્ધતિથી નવી ડ્રેનેજ લાઇન કરવાની નોબત આવી છે. આ કામગીરી પાછળ 1,58,39,450નો અંદાજ ખર્ચ રજૂ થતા ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ કોન્ટ્રાક્ટરોને રસ દાખવ્યો હતો. જેમાં મે.ભાવિન એન્ટરપ્રાઇઝ,મે. આકાર કન્સ્ટ્રકશન અને મે. ઊર્મિ ટેન્સલેસ ટેકનોલોજી પ્રા. લિ.એ રસ દાખવ્યો હતો. જેમાં ભાવિન એન્ટરપ્રાઇઝનું અંદાજિત ભાવથી 16.61 ટકા સૌથી ઓછા ભાવનું 1.35 કરોડનું ભાવપત્રક મંજૂરી હેતુ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે. જેનો ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ પેટે થશે.